ભારતમાં અહીં આવેલ છે અનોખું મંદિર, ચઢાવેલું જળ જાય છે સીધુ પાતાળલોકમાં

0
113

ભારત દેશ અનેક અજાયબીઓથી ભરેલો છે. ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે કે જે અંગે બહુ ઓછા લોકોને ખબર હોય છે. આવું જ એક મંદિર એટલે છત્તીસગઢનું લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિર, છત્તિસગઢની રાજધાની રાયપુરથી 120 કિમીના અંતરે આવેલ આ શિવ મંદિર પોતાની સાથે જોડાયેલ પૌરાણિક કથાને લઈને પ્રસિદ્ધ છે. આ મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. કથા મુજબ અહીં શિવલિંગની સ્થાપના લક્ષ્મણે કરી હોવાનું માનવામાં આવે છે.

માન્યતાઓ અનુસાર આ સ્થળે ભગાન રામે ખર અને દૂષણનો વધ કર્યો હતો. જે કારણે આ જગ્યાને ખરૌદ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રાચીનકાળના અનેક મંદિરો હોવાના કારણે છોટા કાશી તરીકે પણ આ સ્થળને ઓળખવામાં આવે છે.

ભગવાન રામ દ્વારા ખર અને દૂષણના વધ બાદ લક્ષ્મણે અહીં મંદિર સ્થાપવાનો આગ્રહ કર્યો હતો. આ કારણે મંદિરનું નામ લક્ષ્મણેશ્વર મહાદેવ પડ્યું. અહીં મંદિરના ગર્ભગૃહમાં આવેલ શિવલિંગ અંગે માન્યતા છે કે આ શિવલિંગમાં એક લાખ છિદ્ર છે. જેથી શિવલિંગ લક્ષલિંગ તરીકે પણ ઓળખાય છે. આ લાખ છિદ્રોમાંથી એક છિદ્ર એવું છે કે જે પાતાળગામી છે. કેમ કે આ છિદ્રમાં ગમે તેટલું પાણી નાંખો તે સમાઈ જાય છે અને ક્યાં જાય છે તેના કોઈ પુરાવા નથી જ્યારે એક છિદ્ર અક્ષયકુંડ છે જેમાં હમેંશા પાણી ભરેલું જ રહે છે.

એક માન્યતા એવી પણ છે કે આ લક્ષલિંગ પર ચઢાવેલું જળ મંદિરની પાછળ આવેલા કુંડમમાં જાય છે. કેમ કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ કુંડ ક્યારેય સુકાતો નથી તેમજ છલકાતો પણ નથી. મંદિરમાં આવેલ લક્ષલિંગ જમીનથી આશરે 30 ફૂટ ઉપર છે.

મંદિરમાં સંસ્કૃત ભાષામાં શિલાલેખ છે. જેમાં 44 શ્લોકમાં ચંદ્રવંશી હૈહયવંશના રત્નપુરના રાજાઓ અને તેમના વંશજ એવા મહારાજ ખડગદેવ દ્વારા આ લક્ષ્મણેશ્વર મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. જેના પરથી જાણવા મળે છે કે મંદિર આઠમી સદી સુધીમાં જીર્ણ થઈ ચૂક્યું હતું. તેથી તેનું સમારકામ કરાવવાની જરૂરિયાત પડી. આ આધારે કેટલાંક વિદ્વાનો તેને છઠ્ઠી સદીનું અથવા તેનાથી પણ વધારે પૌરાણિક માને છે.

પશ્ચિમ દિશામાં આવેલ મંદિર પૂર્વાભિમુખ છે. અહીં 110 ફૂટ લાંબા અને 48 ફૂટ પહોળા ચબૂતરા પર 48 ફૂટ ઉંચું અને 30 ફૂટની ગોળાઈ ધરાવતું આ મંદિર આવેલું છે. મંદિરના મુખ્યદ્વારમાં પ્રવેશ કરતાં જ સભા મંડળ જોવા મળે છે. તેના જમણી તથા ડાબા ભાગમાં એક એક શિલાલેખ દિવાલમાં જડેલા છે. જમણા ભાગના શિલાલેખની ભાષા અસ્પષ્ટ છે. જોકે અન્ય લેખ અનુસાર તેમાં આઠમી શતાબ્દીનના ઈન્દરબલ તથા ઈશાનદેવ નામના શાસકોનો ઉલ્લેખ જોવા મળે છે.

મૂળ મંદિરના એક સ્તંભમાં રાવણ દ્વારા કૈલાસ ઉપાડવો તથા અર્ધનારિશ્વરના દ્રશ્ય અંકિત છે. તો બીજા સ્તંભમાં રામ ચરિત માનસ સંબંધિત દ્રશ્ય જેમ કે રામ-સુગ્રીવ મિત્રતા, બાલીનો વધ, શિવ તાંડવ અને સામાન્ય જીવનથી સંબંધિત એક બાળકની સાથે સ્ત્રી અને પુરુષ તેમજ દંડધારી પુરુષ અંકિત છે. લક્ષ્મણેશ્વર મહાદેવના આ મંદિરમાં શ્રાવણમાસમાં શ્રાવણી અને મહાશિવરાત્રિમાં મેળો લાગે છે.