જાણો જ્યાં માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે એવા રાજપરાધામ, નો રસપ્રદ ઇતિહાસ,અહીં દર્શન માત્ર થી ભક્તોની મનોકામનાઓ થઈ જાય છે પૂર્ણ…

0
114

મા ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનાનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલાઇ અને સોસાઇ હતાં. જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું.મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલમાતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોઈ લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા. આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ. આ ઘટનાથી ખૂબ લાગી આવતાં મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા.

મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે. દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં. જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં. દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા.

સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને. એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો. અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર. મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો. સૌનાં દુ:ખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક જ્ઞાતિના લોકો પૂજે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે.  અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

રાજપરા ખોડિયાર મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં રાજપરા ગામમાં આવેલ છે. રાજપરા ભાવનગર થી 18 કિ.મી. તથા સિહોર થી 4 કિ.મી. દૂર ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. તેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર મંદિર અને રાજપરા ખોડિયાર મંદિર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચારેય તરફ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.

ભાવનગરનો ‘રાજવી’ પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ ‘આતાભાઈ ગોહિલે’ બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.1914 ની આસપાસ ભાવનગરનાં રાજવી ‘ભાવસિંહજી ગોહિલે’ આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારાઓ કરાવ્યા હતા.ભાવસિંહજીએ આ મંદિરમાં ‘આઈ શ્રી ખોડિયાર માતાજી’ને સોનાનું છત્ર (સતર) ચડાવ્યુ હતું. કહેવાય છે કે, તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. અહીં ભકતો દર રવિવારે અને મંગળવારે પૂજન-અર્ચન પાઠ-વિધિ કરી માતાજીની કૃપા મેળવે છે.

ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાના ગામમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે, હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ ખોડિયાર માતા ચાલતા હતાં.

આમ મહારાજની ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજના મનમાં શંકા થઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજએ પાછું વળીને જોયું. તો આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. અને આ સ્થળ માતાજીનું સ્થાનક થઈ ગયુ, આ સ્થળ આજે સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે જાણીતું છે.રાજપરા મંદિર નારી ચોકડીથી 9 કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું વધારે પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક ભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.

આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે.ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણીયો ધરો નામનું તળાવ આવેલું છે. આ તળાવના બંધનું બાંધકામ 1930થી 1935 દરમિયાન રૂપિયા 3,38045 ના ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે મોટી સંખ્યામાં રાજય અને રાજય બહારથી ભક્તો આવે છે.

જૂનાકાળમાં લોકો બળદગાડા લઈને અહીં દર્શને આવતા હતા સમય જતા દેશમાંથી લોકો ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિતનાં વાહનોમાં અહીં દર્શને આવે છે. શ્રદ્ધાળુઓ પ્રસાદીમાં લાપસી, સુખડી ધરતા હોય છે.અમરુદેવ બારોટે ટેલિફોનિક વાત કરી જણાવ્યું હતું કે રાજપરા ખોડિયાર મંદીરે બિરાજતા મા ખોડિયાર વિશે એવું કહેવાય છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને મુળધરાઈ પાસે આવેલા રોહિશાળા ગામે મામડીયા ચારણના ઘરે ભગવાન શિવના આશીર્વાદથી આઠ ખાલી પારણામાં સાત બહેનો અને એક ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા.

આ દિવ્ય આત્માઓના નામ (1) જાનબાઈ ( જેનું નામ પાછળથી મા ખોડિયાર પડ્યું હતું) (2) જોગળ (3) તોગળ(4) સાંસાઈ (5) હોલબાઈ (6) વિજબાઈ (7) આવળ અને ભાઈનું નામ મેરખીયો આમ 8 ભાંડરડા પ્રગટેલા.ભાવનગર, સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા ભક્તો ખોડિયાર મંદિર જતા હોય છે. અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન છે. આ ધાર્મિક સ્થળે રેલવે તથા એસ.ટી. બસની સેવાઓ પણ મળી રહે છે.