ગાંધીનગરઃ જો રવિવારે મહાત્મા મંદિર ફરવું હોય તો આ વાત ખાસ યાદ રાખો, બાકી થશે ધક્કો

0
391

ગાંધીનગરમાં અક્ષરધામ સિવાય પણ ઘણાં ફરવાલાયક સ્થળ આવેલાં છે. મહાત્મા મંદિર, દાંડી કુટીર, સેક્ટર 28 નો બગીચો વગેરે સ્થળોએ ફરીને મિનિ પ્રવાસની મજા માણી શકાય છે. જોકે, રવિવારે આ સ્થળો પર ખાસ્સી ભીડ રહેતી હોય છે. જેને કારણે અનેકવાર પ્રવાસીઓને અગવડતાનો પણ સામનો કરવો પડતો હોય છે. જેમ કે, જો રવિવારે દાંડી કુટીર ફરવા જાઓ તો સવારનો સમય પસંદ કરવો વધુ હિતાવહ છે. કારણકે મેનેજમેન્ટના જણાવ્યાનુસાર સાંજ સુધીની ટિકિટ વહેંચાઈ જતી હોય છે અને ટૂરિસ્ટ્સને નિરાશ થઈને પરત ફરવું પડે છે.

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મહાત્મા મંદિર સાઈટ પર મીઠાના ઢગલા આકારનો એક પિરામિડ બનાવવામાં આવ્યો છે. જે દાંડી કુટીર તરીકે ઓળખાય છે. આ કુટિરમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીજીના જીવન પર બનાવાયેલો 3D લેસર શો, ગાંધીજીના જીવન આધારીત પ્રદર્શની તેમજ મીઠાનો સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, ઐતિહાસીક દાંડીકૂચ તેમજ અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.

મહાત્મા મંદિરની સામે જ દાંડી કુટિર આવેલી છે. જે ગાંધીનગરનું એક જોવાલાયક સ્થળમાંનું એક માનવામાં આવે છે. અહીં ભારતીય નાગરીકો માટે ટિકિટના દસ રુપિયા અને ફોરેનર્સ માટે 200 રુપિયા રાખવામાં આવ્યાં છે. આ પ્રદર્શનીમાં એક શો દોઢ કલાકનો હોય છે. જેના માટે પ્રત્યેક ટૂરિસ્ટ્સને હેડફોનથી લઈને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે.

મેનેજમેન્ટના જણાવ્યાનુસાર દસ રુપિયાની ટિકિટમાં ટૂરિસ્ટ્સ દોઢ કલાક સુધીની પ્રદર્શની માણી શકે છે. એક બેચમાં 40 ટૂરિસ્ટ્સ પ્રદર્શની માણી શકે છે પરંતુ જો સાંજે છ વાગ્યા સુધીનાં દરેક શો હાઉસફુલ થઈ ગયાં હોય તો પછી ટૂરિસ્ટ્સને માત્ર વૉક વે કરીને જ પરત ફરવું પડે છે. રવિવારે અને રજાના દિવસે બપોરે એક વાગ્યા સુધીમાં તો સાંજ સુધીના શો હાઉસફુલ થઈ ગયા હોય તો ટૂરિસ્ટ્સને નિરાશ થવું પડે છે. જેથી જો ટૂરિસ્ટ્સ સવારના સમયે આવે તો તેમના માટે વધુ હિતાવહ રહે છે.

મહારાષ્ટ્રથી દાંડી કુટીર જોવા આવેલા યશ મહેતાનું કહેવું હતું કે,’હું મારી મમ્મી સાથે સૌરાષ્ટ્રની ટૂર કરવા આવ્યો હતો. અમારી પાસે બે દિવસ હતાં. જેથી અમે વિચાર્યું હતું કે અમે ગાંધીનગર મહાત્મા મંદિર અને અક્ષરધામ ફરીશું. જોકે, અહીં પહોંચીને જાણવા મળ્યું કે દાંડી કુટીરની ટિકિટ સવારથી જ વેચાઈ ગઈ છે.

જેથી અમારે ખાલી હાથે પરત ફરવું પડ્યું છે.’ તો વળી અન્ય એક ટૂરિસ્ટ્સ રાધાબહેનનું કહેવું હતું કે,’હું ગાંધીજીના વિચારોથી ખૂબ જ પ્રેરીત છું. જેથી મને દાંડી કુટીર જોવાની ખૂબ જ ઈચ્છા હતી પરંતુ હવે ટિકિટ ન મળતાં મને પણ નિરાશા થઈ હતી. હવે સોમવારે રજા હોવાથી મંગળવારે પ્રદર્શની માણવાની તક મળે પરંતુ તેના માટે એક દિવસ રોકાવું પડે જે શક્ય નથી.’